ઉપવન

ખાસ નોંધ : વ્યક્તિઓના જે નામ રાખ્યા છે તે નામધારી વ્યક્તિઓને હું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઓળખતો નથી.


ઉપવન

૧

2005 ના મે મહિનાની ધીખતી બપોરે ગામના બસ સ્ટેન્ડ પર બસ આવી અને ધૂળ ઉડાડતી ઉપડી ગઈ. ત્રીસેક વર્ષની એક સ્ત્રી બસમાંથી ઉતરી. તેણે નજીકના ચાના ગલ્લા પર જઈ પૂછ્યું,

'ભાઈ, ઉપવન ક્યાં આવ્યું?'

'આ ગામમાં એવું કશું નથી.'

'મેલડી માતાના મંદિર પાસે છે.'

'એ મંદિર તો આ કોર આવ્યું.'

સ્ત્રી તે દિશામાં ચાલવા લાગી.

'ઓ બેન, એ તો આઘું છે. આવા તડકે ક્યાં ચાલશો? ઉભા રહો રિક્ષા બોલાવું.' ચાવાળાએ ફોન કરી રિક્ષાવાળાને બોલાવ્યો.

રિક્ષાવાળાએ કહ્યું,

'મેલડી માતાના મંદિર જવાના દસ રૂપિયા.'

'એટલા બધા તો નહીં આપી શકું. પાંચ રાખો.'

'પાંચમાં ન પોષાય.'

સ્ત્રી ચાલવા લાગી એટલે રિક્ષાવાળો બોલ્યો,

'હાલો પાંચમાં. બાઈ માણસ આવા તડકે હાલીને જાય તો અમારા ગામની આબરુ જાય. આવવા જવાના થઈને દસ આપજો.'

મેલડી માતાના મંદિર પાસે આવી તે બોલ્યો,

'મારું નામ શંકર. મારો નંબર લઈ લો. પાછા જાવ ત્યારે ફોન કરી બોલાવજો.'

સ્ત્રીએ આમ તેમ જોયું તો સામે એક નાનું મકાન હતું ત્યાં "ઉપવન" લખ્યું હતું. તે ત્યાં ગઈ. ચાલીસ આસપાસની એક સ્ત્રીએ તેને આવકાર આપ્યો.

'આવો બેન. મારું નામ રંજન. આ મારી એક મિત્રનું મકાન છે એમાં મે ઉપવન શરૂ કર્યું છે. હું મારી દીકરી સાથે ગયા અઠવાડિયે અહીં આવી છું.'

'મારું નામ સરિતા. મેં છાપામાં જાહેરત વાંચી કે ઉપવનમાં મદદનીશની જરૂર છે.'

બાર વર્ષની એક છોકરી સરિતા સામે તાકી તાકી જોવા લાગી.

'આ મારી ફોરમ. એના માટે અને એના જેવી દીકરીઓ માટે ઉપવન શરૂ કર્યું છે.

મારા પતિનો ઘણો સારો બિઝનેસ હતો. તેઓ ત્રણ વર્ષ પહેલાં ગુજરી ગયા. અમારે ઘરે ફોરમ જન્મી ત્યારે અમે તમામ સુખ મેળવી લીધું હોય એવું લાગ્યું. પરંતુ થોડા સમયમાં અમને ખ્યાલ આવ્યો કે આ વિશિષ્ટ ફૂલ છે જેની વિશેષ માવજત કરવી પડશે. અમે ફોરમમાં જ ઓતપ્રોત થઈ ગયાં. અમે જોયું કે ફોરમને તો અમે ખૂબ જ કાળજીથી ઉછેરતા પણ ગરીબ ઘરમાં આવાં વિશિષ્ટ ફૂલ હોય તો એમનાં માતાપિતાને ઘણી મુશ્કેલી થતી હોય છે. અમે આવાં વિશિષ્ટ ફૂલડાં માટે ઉપવન બનાવવા વિચાર્યું. પરંતુ અચાનક મારા પતિનું અવસાન થયું.

મેં અમારું સ્વપ્ન સાકાર કરવા નક્કી કર્યું. મારી પાસે બહુ પૈસા નથી પણ હું નાની શરૂઆત માંગું છું એટલે આવી જગ્યાએ શરૂ કરવાનું નક્કી કર્યું. મારી એક મિત્રના કુટુંબનું આ મકાન છે એમાં ઉપવન શરૂ કરવું છે. કુટુંબ અને મિત્રો તરફથી સહકાર મળશે. જરૂર પડશે તો મારા ઘરેણાં અને શહેરમાં ફ્લેટ છે તે વેંચી દઈશ. આગળ જતાં સમાજ તરફથી જરૂરી મદદ મળતી રહેશે તો વાંધો નહીં આવે.

મને મારા ગુરૂજીએ કહ્યું છે કે કોઈ ઉમદા કાર્ય કરવાની ઈચ્છા થાય તો આયોજન સાથે શરૂ કરી દેવું. જો ઈશ્વરને મંજુર હશે તો મુશ્કેલ સ્થિતિમાં અણધારી મદદ મળી જશે. જો એમ ન થાય તો સ્વીકારી લેવું કે ઈશ્વર આપણને આ કાર્ય માટે નિમિત્ત બનાવવા માંગતા નથી. કોઈ વધારે યોગ્ય હશે તેને નિમિત્ત બનાવશે.

પણ તમે આવી જગ્યાએ કામ કરવા કેમ આવ્યાં?'

'મારી પાંચ વર્ષની જુઈ પણ ફોરમ જેવી...'

'ઓહ! તમારો પૂરો પરિચય આપશો?'

૨

'હું મૂળ તો ઉત્તરપ્રદેશની છું. અમારે નાનું ખેતર હતું. હું ભણવા સાથે ખેતરમાં કામ કરતી. હું હાઈસ્કુલમાં હતી ત્યારે માતાપિતાનું અવસાન થયું. મારા કાકા અમદાવાદમાં નોકરી કરતા. એમણે મને એમની પાસે રાખીને  ભણાવી. કૉલેજ પછી હું એક કંપનીમાં નોકરી કરવા લાગી.

મારી સાથે કામ કરતા એક ગુજરાતી યુવક સાથે પ્રેમલગ્ન કર્યા. મારા કાકી એમના ભત્રીજા સાથે પરણાવવા માંગતા હતા એટલે એમને મારા આ લગ્ન પસંદ ન પડ્યા અને મારી સાથે સંબંધ તોડી નાંખ્યો. મારા સાસરા પક્ષને પણ અમારા લગ્ન પસંદ નહોતા.

અમારો સંસાર ચાલતો હતો અને જુઈનો જન્મ થયો. અમે સાતમા આસમાને ઉડવા લાગ્યા. પરંતુ જુઈની હકીકત જાણ્યા પછી અમારા પગ નીચેથી ધરતી સરકી ગઈ. અમે જુઈને દિલ દઈ ઉછેરવા લાગ્યા. ચાર વર્ષ પછી મારા પતિને કેન્સર થયું અને તેઓ બચી ન શક્યા.

હું નોકરી સાથે જુઈને ઉછેરું છું. એને મારી સાથે જ લઈ જાઉં છું. મારી ઓફીસમાં કામ કરતા એક કાકાએ મને તમારી જાહેરત વંચાવી. મને લાગ્યું કે હું ઉપવનમાં નોકરી કરું તો જુઈ પણ સચવાઈ જાય. હું જુઈને એ કાકા પાસે મૂકીને આવી છું.'

'તમારી વાત જાણ્યા પછી વધારે કશું જાણવાની જરૂર નથી. હું તમને બહુ પગાર તો નહીં આપી શકું પણ આપણી દીકરીઓનો ઉછેર સારી રીતે કરશું. ઉપવનમાં આવી બીજી દીકરીઓને પણ સાચવવાની છે. તમે જુઈને લઈને આવી જાવ.'

'હું આવતા સોમવારે આવી જઈશ.'

સરિતા જુઈને લઈને આવી. એણે શંકરને ફોન કર્યો હતો એટલે તે રિક્ષા લઈ બસ સ્ટેન્ડ પર આવી ગયો.

શંકર જુઈને જોઈ રહ્યો.

'આ છોકરી...'

'એનું નામ જુઈ છે. તે માનસિક વિકલાંગ - મંદબુદ્ધિની છે. બીજા કરતાં એનો માનસિક વિકાસ ઓછો હોય.'

'ઉપવનમાં આવી બીજી છોકરી પણ છે ને?'

'હા અમે ઉપવનમાં આવી છોકરીઓને સાચવવાના છીએ.'

જુઈ તોફાન કરતી હતી એટલે સરિતાએ તેને સમજાવી.

'મામાને રિક્ષા ચલાવવા દે.'

'લ્યો ઉપવન આવી ગયું.'

શંકર સામાન અંદર મૂકી આવ્યો. સરિતા પૈસા આપવા લાગી.

'છોકરી પાસે મામા કહેવરાવો છો અને પૈસા આપો છો? કોઈ પણ કામ હોય તો આ ભાઈને બોલાવી લેજો.'

સરિતા ગદગદ થઈ ગઈ.

રંજને સરિતાને આવકાર આપ્યો.

'ગામના લોકો ઘણા સારા છે. બધું બહુ સરસ થશે.'

'હંઅઅઅ...'

રંજનનો પ્રતિભાવ જોઈ સરિતા વિચારવા લાગી

'શું બધું સરળ નહીં હોય? મુશ્કેલીઓ આવશે?'

૩

સવારે રંજન અને સરિતા બંને બાળકીઓ સાથે બહાર ઉભી હતી ત્યારે ત્યાંથી પસાર થતા ગામ લોકો તાકી તાકીને જોઈ રહેતા.

કેટલીક સામાજીક સંસ્થાઓ ગરીબ કુટુંબોની દીકરીઓને ઉપવનમાં લઈ આવી. ત્રણ મહિનામાં છ દીકરીઓ ઉપવનમાં રહેવા લાગી.

એક દિવસ અચાનક ગામના સરપંચ અને કેટલાક લોકોનું ટોળું ઉપવનમાં ધસી આવ્યું.

'તમે બે બાઈઓએ આ શું માંડયું છે? અહીં આવી ગાંડીઓનું ગામ બનાવો છો?'

'આ છોકરીઓ ગાંડી નથી. તેઓ માનસિક વિકલાંગ છે. અમુક કારણસર આવાં બાળક જન્મે.'

'તે જે હોય તે. અમારે રોજ આવતાં જતાં આવાં મોઢા જોવાના? રોજ અપશકન કરવાના?'

'એમને જોવાથી અપશુકન ન થાય. તેઓ તો ઈશ્વરના સ્પેશીયલ બાળકો છે.'

'સ્પેશીયલ શેનાં? ગયા જનમના પાપને કારણે માતાજીના શાપ લાગ્યા છે. એમને જોઈને દાડો બગડે જ. તમે અહીંથી ઉચાળા ભરો નહીંતર સારું નહીં થાય.'

સરિતા થોડી ઉશ્કેરાઈ
   
'ઉચાળા શેનાં ભરીએ? આ અમારી કાયદેસરની જગ્યા છે.'

'હવે જા જા કાયદા વાળી. સીધી રીતે નહીં ટળો તો...'

રંજને મામલો શાંત પાડવા કહ્યું,

'અમે છોકરીઓને બહાર નહીં લાવીએ.'

'એ બધું નહીં ચાલે. અહીંથી નીકળો.'

લોકો ગયા પછી સરિતા અકળાઈ:

'તમે છોકરીઓને બહાર નહીં જવાનું કહો છો. અહીં એમને કેદ કરી રાખવાની છે?'

'તું ધીરજ રાખ. બધું ઠીક થઈ જશે.'

માથાભારે ગામ લોકો ધાક ધમકી આપતા રહેતા હતા.

એક દિવસ સરપંચ અને કેટલાક લોકો ઉપવનમાં ધસી આવ્યા.

'તમને અહીંથી જવાનું કહીએ છીએ તો પણ જતા નથી અને આજે તો હદ થઈ ગઈ.  તમારી ગાંડીઓ અહીંથી બહાર નીકળી ગામ સુધી આવી ગઈ. આવી શાપીત ગાંડીઓ જોઈ અમારો દિવસ બગડ્યો.'
  
સરિતા ગુસ્સે થઈ ગઈ.

'મોં સંભાળીને બોલો. ગાંડા તો તમે લોકો છો. છોકરીઓ ભૂલથી આવી ગઈ એમાં આટલો હોબાળો કરો છો?'

'મોં તું સંભાળ. તમે બે રંડાયેલીઓ અને આ ગાંડીઓ અમારા ગામને બરબાદ કરી દેશો.'

'બસ!' સરિતા રાડ પાડી આવું બોલનાર તરફ ધસી. પેલાએ હાથ ઉગામ્યો. શંકર વચ્ચે પડ્યો. લોકોએ તેને માર્યો.
 
'તમે સીધી રીતે નહીં જાવ. હવે જુઓ શું થાય છે.' સરપંચે ધમકી આપી.

૪

બીજા દિવસથી લોકો ગામનો ઉકરડો ઉપવન પાછળ કરવા લાગ્યા. અસહ્ય દુર્ગંધથી છોકરીઓ હેરાન થવા લાગી. ચોમાસું આવતાં મચ્છર થવા લાગ્યા. છોકરીઓ બિમાર પડી. ગામમાંથી તો કોઈ મદદ કરતું નહીં. શંકર પણ રિક્ષા લઈ આવી શકતો નહીં. રંજન અને સરિતા છોકરીઓને બસ સ્ટેન્ડ સુધી ચલાવી બસમાં લઈ જતા.

ઉપવનમાં છોકરીઓને તાલીમ આપવાનું તો બાજુ પર રહી ગયું. એમને સાચવવાનું મુશ્કેલ બની ગયું.

નવરાત્રી વખતે ઉપવનમાં પાણી આવતું બંધ થઈ ગયું. લોકોએ પાણીની પાઇપમાં તોડફોડ કરી હતી. રીપેરીંગનો ઘણો ખર્ચો આવી ગયો.

'આ અણધાર્યા ખર્ચાને લીધે હવે નવરાત્રીની ઉજવણી નહીં થઈ શકે.' રંજન વ્યથિત થઈ ગઈ.

દિવાળીના દિવસોમાં પાવર કાપી નાંખ્યો. ઉપવનમાં અંધારપટ થઈ ગયો. રાતે દીપમાળા કરી અજવાળું કરતા. ગામના તોફાનીઓ મોડી રાતે ફટાકડા ફોડી હેરાન કરવા લાગ્યા. છોકરીઓ ગભરાઈને રડવા લાગી. તોફાનીઓને સમજાવવા ગયા તો વધારે હેરાન કરવા લાગ્યા.

સરિતા પોલીસમાં ફરિયાદ નોંધાવવા માંગતી હતી પણ શંકરે રોકી. માથાભારે લોકો વધારે હેરાન કરે અને પોલીસ તો ગામ લોકોને જ સાથ આપે.

રંજન અને સરિતાની હિંમત અને ધીરજ ખૂટવા લાગ્યા. થોડા દિવસ પછી એક જણ ઉપવન આવ્યો.

'બેનબાના લગ્ન છે એની કંકોત્રી આખા ગામમાં આપી છે એટલે તમને આપીએ છીએ પણ હરખપદુડા થઈ હાલી મળતા નહીં.'

સરિતા એક કવર લઈ સરપંચને ઘરે ગઈ. સરપંચ તેને જોઈને અકળાયા.

'હું તો વધાવું આપવા આવી છું.'

અવાજ સાંભળીને સરપંચની દીકરી અંદરથી બહાર આવી.

'બેન, અમારી છોકરીઓએ તમને ખાસ શુભેચ્છા પાઠવી છે.'

એક કાગળ પર સરિતાનું શુભેચ્છા આપતું લખાણ હતું તેની નીચે છોકરીઓના અંગૂઠાની છાપ હતી. કવરમાં એકવીસ રૂપિયા હતા.

સરપંચની પત્ની મીઠાઈ લઈને આવી.

'લ્યો મોં મીઠું કરો.'

'ના બેન હું છોકરીઓને મૂકીને મીઠાઈ નહીં ખાઉં. ગોળની ગાંગડી આપી દો.'

સરિતા ગઈ પછી સરપંચની દીકરી પિતા સામે તિરસ્કારથી જોઈ પગ પછાડી અંદર ગઈ. તેની મા પણ પતિ સામે નારાજગી દર્શાવી અંદર ગઈ. સરપંચ થાંભલાની જેમ ખોડાઈ ગયો.

૫

બીજે દિવસે સવારે શંકર એની રિક્ષા લઈને આવ્યો. તેની સાથે એક ભાઈ હતા.

'હાલો છોડીઓ, લેનમાં ઉભી રહી જાવ.'

સરિતા શંકર સાથે આવેલ ભાઈને ઓળખી ગઈ. એમની ગામમાં દરજીની દુકાન હતી.

'શંકરભાઈ, કોણે તમને આના માટે મોકલ્યા છે?'

'બેનબાએ કીધું છે કે ઉપવનની છોડીઓ લગનના ગરબામાં આવે એટલે ખાસ ડ્રેસ કરાવવાનો છે. બે જણ શહેરમાં કાપડ લેવા ગયા છે.'

'હાલો જલ્દી માપ લઈ લઉં. બે દિવસમાં કપડાં કરી આપવાના છે.'

થોડીવારમાં સરપંચના પત્ની આવ્યાં.

'મારી દીકરીનો ખાસ આગ્રહ છે કે ઉપવનની છોકરીઓ પણ ગરબામાં ભાગ લે.'

બે દિવસ પછી સરિતા અને રંજન છોકરીઓને તૈયાર કરીને ગરબામાં લઈ ગયા. સરપંચની દીકરીએ છોકરીઓને પ્રેમથી આવકાર આપ્યો.

આ બધું જોઈને એક સન્નારી સરિતા અને રંજન પાસે આવ્યાં અને ઉપવન વિષે જાણકારી મેળવી. એમણે એમના પતિને બોલાવ્યા.

'હેલો! હું ડીસીપી સંગ્રામસિંહ. આ ગામ મારું વતન છે. મારા ગામમાં આવું ઉમદા કાર્ય થઈ રહ્યું છે તેની મને ખબર જ નથી. હું કાલે ઉપવન આવીશ.'

સરપંચના ચહેરા પરથી લોહી ઉડી ગયું.

બીજે દિવસે વહેલી સવારે ગામના કેટલાક લોકો ઉપવન પાછળનો ઉકરડો સાફ કરવા લાગ્યા. આટલો મોટો ઉકરડો સાફ કરતાં તો વાર લાગે. સંગ્રામસિંહ અને એમનાં પત્ની ઉપવન આવ્યા. અસહ્ય દુર્ગંધથી તેઓ અકળાઈ ગયા. મોઢે રૂમાલ રાખી દેવો પડ્યો.

'આવી ભયંકર સ્થિતિમાં તમે કેવી રીતે રહો છો?'

ડીસીપી બધું સમજી ગયા. સરપંચ સામે ગુસ્સે થઈ બોલ્યા,

'તમને શરમ નથી આવતી? આવા સારા કામમાં વિઘ્ન નાંખો છો? તમે ગામ માટે કલંક છો.'

સરપંચ રંજનના પગ પકડી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.

'ખરેખર હું ગામ અને સમાજ માટે કલંક છું. હું માફીને લાયક નથી.'

પછી માતાજીના દિવા પર હાથ મૂકી બોલ્યા,

'હું સોગંદ ખાઉં છું. હવે ઉપવનને સાચવવાની જવાબદારી મારી. હું સાચે જ ઉપવન બનાવી દઈશ.'

સરિતા, રંજન અને છોકરીઓને ગામમાં એક મકાનમાં રાખ્યાં. ઉપવનનું મકાન તોડી પાડવામાં આવ્યું. આસપાસની પડતર જમીન ઉપવનને આપવામાં આવી. એક સરસ મકાન બનાવી આપ્યું.

એક સારા દિવસે ઉપવનના નવા મકાનનું ઉદ્ઘાટન કર્યું. ઉપવનને કાયમ સાથ આપનાર શંકરના હસ્તે આ કાર્ય કરાવ્યું.

જોતજોતામાં બગીચો અને રમતનું નાનું મેદાન પણ બનાવી દીધું. ઉપવન સરસ રીતે કાર્યરત થઈ ગયું.

૬


ડીસીપી અને એમનાં પત્ની એમનાં વર્તુળમાં ઉપવન વિષે માહિતી આપવા લાગ્યા.  અખબાર અને મેગેઝીનમાં પણ લખાયું. લોકોને જાણ થતી ગઈ એમ ઉપવનમાં છોકરીઓ દાખલ થવા લાગી.

ઉપવન રજીસ્ટર્ડ ટ્રસ્ટ થયું. સરિતા, રંજન અને ડીસીપીનાં પત્ની ટ્રસ્ટી  થયા. ડોનેશન પણ મળવા લાગ્યું.
  
ઉપવનમાં દાખલ થવા અને રહેવા નિયમો નક્કી કર્યા. સરિતા અને રંજને એક મદદનીશ રાખી તેને ટ્રેઈન કરી. છોકરીઓ તમામ દૈનિક ક્રિયાઓ પોતાની જાતે જ કરી લે તે ખાસ શીખવવા લાગ્યા. સ્વચ્છતા રાખવા સમજ આપી. પુખ્ત બનતી છોકરીઓને પિરિયડ વિષે સમજ આપવામાં આવતી. આ બહુ જ મુશ્કેલ હતું પણ સરિતા અને રંજન અત્યંત ધીરજ રાખીને ટ્રેનિંગ આપતા.

પ્રાથમિક સારવાર માટે તાલુકાના આરોગ્ય કેન્દ્રમાંથી સારવાર મળી રહેતી.

શહેરમાંથી ફિઝિશિયન, ગાયનેક અને મનો ચિકિત્સક મહિનામાં એક વાર આવે એવી ગોઠવણ કરી.

છોકરીઓને ચિત્રકામ, ક્રાફટ વિ. શીખવવાનું શરુ કર્યું. જુદી જુદી રમતો શીખવવા લાગ્યા. થોડી આવક થાય તે માટે રાખડી, દીવા બનાવી વેંચાણ શરુ કર્યું. પણ આમાંથી બહુ આવક ન થાય.

ડીસીપી સરકારી ઓફીસો અને ખાનગી કંપનીઓ માટે ઓફીસ ફાઈલ અને કેટલીક સ્ટેશનરી બનાવવાનું કામ લઈ આવ્યા. એમના પત્ની કેટલાક ગૃહઉદ્યોગના કામ લઈ આવ્યાં. છોકરીઓ એમની સમજ મુજબ કામ કરવા લાગી.

પરંતુ આ બધાંમાંથી પૂરતી આવક તો ન જ થાય એટલે ડોનેશન પર જ વધારે આધાર રહ્યો. ડીસીપી અને એમના પત્ની વગદાર લોકોના સર્કલમાં, ક્લબોમાં ઉપવન વિષે માહિતી આપવા લાગ્યા. સરિતા એમની સાથે જતી. કેટલાક તરફથી કાયમી ડોનેશન મળવા લાગ્યું એટલે થોડો ટેકો રહેતો.

ઉપવનમાં રહેવા માટે એક ખાસ નિયમ નક્કી કર્યો. પુખ્ત વયની દરેક છોકરીનું ઓપરેશન કરાવી લેવાનું. પૂરતી કાળજી રાખવા છતાં કંઈ અજુગતું ન બને એની તકેદારી રાખવી પડે. ડીસીપીએ શહેરમાં ઓપરેશન કરાવવાની અને તે માટે રહેવાની વ્યવસ્થા કરી આપી.

એક છોકરીના માતાપિતાએ આનો વિરોધ કર્યો.

'અમારા સગાની છોકરીનું આવું ઓપરેશન કરાવ્યું છે. તેને ઘણી તકલીફ થાય છે. અમે અમારી દીકરીનું ઓપરેશન નહીં કરાવીએ.'

'અહીં રહેવા માટે આ તો ફરજીયાત છે.'

'તમે લોકો છોકરીઓને સાચવી શકતા ન હો તો તમારું ઉપવન બંધ કરી દો.'

સરિતા ગુસ્સે થઈ ગઈ. રંજને તેને વારી.

'આવી બધી તૈયારી રાખવી પડે. આપણે આપણી રીતે સાચા છીએ. તેઓ એમની રીતે સાચા છે. પરંતુ નિયમ ન માને એમનાં સંતાનોને પ્રવેશ નહીં આપવાનો.'

૭

'સરિતાબેન, જલ્દી આવો. આ છોકરી તોફાન કરે છે. ભીંત સાથે માથું પછાડે છે.'

એક દિવસ મદદનીશ બહેન છોકરીઓ સાથે રમત રમતા હતા ત્યારે અચાનક નવી આવેલી એક છોકરી તોફાન કરવા લાગી.

'આને એની બધી દવાઓ બરાબર નિયમિત અપાય છે ને?'

'હા. એના ઘરેથી આપેલી આ દવાઓ આપું છું.

'એને હું આપું તે દવા પણ આપો. એનું મન શાંત રહેવું જોઈએ.

કેટલીક છોકરીઓ ઉગ્ર બની જાય અને પોતાને જ ઈજા પહોંચાડે. એમને ભૂલ્યા વગર નિયમિત દવા આપવી જોઈએ.'

*

એક પિતા એમની દીકરીને ઉપવનમાં દાખલ કરવા આવ્યા.

'મારી દીકરી પચીસ વર્ષની છે. ચાર દિવસ પહેલાં એની મા ગુજરી ગઈ. છોકરી મા પાસે જ સૂતી. એની માને કોરોના થયો હતો ત્યારે પણ તે એની પાસે જ સૂતી. એમાં એને પણ કોરોના થઈ ગયો હતો. હું ઘણો પ્રયત્ન કરું છું પણ તે સૂતી જ નથી. આમ તો એની હાલત બગડી જાય એટલે હું અહીં રાખવા માંગું છું.'

સરિતા અને રંજને પ્રયત્ન કર્યા પરંતુ છોકરી સૂતી નહોતી.

'તમે એની માની સાડીઓ લેતા આવો.'

સરિતા છોકરીની માની સાડી પહેરી સૂતી. છોકરીને પરિચિત લાગ્યું. તે સરિતાને વળગીને સૂવા લાગી. ધીરે ધીરે તે બીજી છોકરીઓ સાથે ભળી ગઈ. તેના પિતા તેને ઉપવનમાં મૂકીને ઘરે પાછા જતાં ધ્રુસકે ધ્રુસકે રડયા પણ દીકરી યોગ્ય જગ્યાએ સચવાઈ જશે એવા સંતોષ સાથે ગયા.

*

એક પિતા એમની દીકરીને લઈને આવ્યા.

'મારી દીકરી વીસ વર્ષની છે. ખૂબ લાડથી ઉછરી છે. તેને બધી જ સગવડ કરી આપી છે પરંતુ તે સાવ જ નાની છોકરી હોય એવું વર્તન કરે છે એટલે અમુક ઓળખીતા લોકોએ સલાહ આપી કે ઉપવનમાં રહે તો સારો વિકાસ થાય.'

'ચોક્કસ પણ અહીં તેને કોઈ ખાસ સગવડ નહીં મળે. અન્ય છોકરીઓની જેમ જ રહેશે.'

'હું સમજી શકું છું. મારું મન તો નથી માનતું પણ એના સારા માટે અહીં રહે.'

'એની મા?'

'ત્રણ વર્ષ પહેલાં ગુજરી ગઈ. આ મારી દત્તક દીકરી છે. મારી ફેક્ટરી છે. મારે ત્યાં કામ કરતા એક કર્મચારીને દીકરી આવી. તે બે મહિનાની થઈ ત્યારે ખેંચ આવી. તેની દવાની આડ અસર થઈ અને તેનો માનસિક વિકાસ ખોરવાયો. ગરીબ માતા પિતા માથે આભ તૂટી પડયું. મારી પત્નીને બાળક થાય એવું નહોતું એટલે અમે આ દીકરી દત્તક લીધી. એને ખૂબ લાડ કર્યા છે. ત્રણ વર્ષ પહેલાં મારી પત્ની અકસ્માતમાં ગુજરી ગઈ. પછી દીકરીને સાચવવા એક બેન રાખ્યા છે. છોકરીને બધું જ આપ્યું છે પણ મારી મોટી ભૂલ થઈ કે એને નાની હતી ત્યારથી આવી કોઈ જગ્યાએ મોકલી નહીં.'

'કશો વાંધો નહીં. જાગ્યા ત્યારથી સવાર! તમે તો કોઈ ન કરે એવું ઉમદા કાર્ય કર્યું છે. આવી છોકરીને દત્તક લઈ ઉછેરી છે. તમે આપી છે એવી સગવડ અહીં નહીં મળે પણ તેને કોઈ જ તકલીફ નહીં પડે.'

'ખૂબ આભાર. હું આને રાખવાનો ખર્ચ આપીશ ઉપરાંત બીજી ત્રણ છોકરીઓનો પણ ખર્ચ આપીશ.'

'બહુ સરસ. અમને ઘણો ટેકો રહેશે.'

૮

બાજુના શહેરના પીઆઈનો ફોન આવ્યો.

'સરિતાબેન, અહીં બગીચામાંથી એક છોકરી મળી છે. કોણ છે, ક્યાંથી આવી તે ખબર નથી. અમે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી પણ તેઓ કહે છે કે તેને ઉપવનમાં રાખવી જોઈએ. તેને લઈને આવીએ છીએ.'

પીઆઈ આશરે સોળ વર્ષની લાગતી છોકરીને લઈ આવ્યા.

'અમે છોકરીને ઉપવનમાં દાખલ કરીએ ત્યારે અમુક ડોક્યુમેન્ટસ લેતાં હોઈએ છીએ. આના કોઈ ડોક્યુમેન્ટ ન હોવાથી પોલીસ તરફથી આ છોકરી લાવારિસ મળી છે એવું સોગંદનામું અને બાંહેધરી પત્ર આપજો.'

તે છોકરી ઉપવનની છોકરીઓ સામે જોઈ રહી. અચાનક મોટે મોટેથી ગાળો બોલવા લાગી. પીઆઈ પણ મૂંઝાઈ ગયા.

'કશો વાંધો નહીં. અમે તેને અહીં રાખશું અને ટ્રેઇનિંગ આપીશું.'

તે છોકરીને બીજી છોકરીઓથી અલગ રાખી. તેને નાની નાની અનેક બાબતો શીખવવી પડી. સ્વચ્છતા રાખવા શીખવ્યું. પિરિયડ વિષે ધ્યાન રાખવા સમજાવતાં ઘણું અઘરું પડયું. છ મહિનાથી વધારે સમય લીધો પછી બીજી છોકરીઓ સાથે રહેવા લાગી.

આવી રીતે રસ્તા પરથી મળેલી બીજી છોકરીઓ પણ આવી. આ છોકરીઓ ગાળો બોલે, સ્વચ્છતા ન રાખે. સરિતા અકળાઈ ગઈ.

'રસ્તા પરથી મળેલી છોકરીઓ અહીં ન રાખવી જોઈએ."

રંજનને આ ન ગમ્યું.

'એમને સુધારવામાં ભલે વાર લાગે અને તકલીફ થાય પણ કોઈ છોકરીને ના કહી શકાય નહીં. આવી છોકરીઓ માટે ગરીબ, અમીર ન જોવાય. કોઈ પણ જાતિ, ધર્મના ભેદભાવ વગર ઉપવનના દ્વાર બધી છોકરીઓ માટે ખુલ્લા છે.'

*

આવી છોકરીઓને જો પોતાનું નામ ખબર ન હોય તો કોઈ સારું નામ આપી બોલાવતા.

રસ્તા પરથી મળી આવેલી છોકરીઓને એમનાં કુટુંબ સાથે મેળાપ કરાવી આપતી એક સંસ્થાએ ઉપવન સાથે કામ કર્યું.

આવી છોકરીને ઉપવનમાં પ્રેમથી રાખીને યોગ્ય તાલીમ આપવામાં આવે. તેને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરવામાં આવે. છોકરી એનું નામ અને અમુક જરૂરી વિગતો આપી શકે તો એના કુટુંબને શોધી શકાય.

હિન્દી ભાષા બોલતી હોય તો તેની બોલી પરથી તે કયા રાજયની હોઈ શકે તેનું અનુમાન કરી શકાય. બીજી કોઈ ભાષા બોલતી હોય તો તે કઈ ભાષા છે તે જાણવા અને તેની સાથે વાત કરવા શહેરમાં લઈ જવાય.

અલગ અલગ રાજયોમાં પોલીસને જાણ કરવામાં આવે. જો તેના માતાપિતાએ ખોવાયાની ફરીયાદ કરી હોય તો કામ સરળ રહે.

કેટલાક ગરીબ અભણ માતાપિતા આવી બોજરૂપ છોકરી ગઈ તો એનાથી છુટયા એવું માની કોઈ ફરીયાદ જ ન કરે એટલે તેનું કુટુંબ શોધી શકાય નહીં અને તે ઉપવનમાં જ રહે.

છોકરીના કુટુંબનો સંપર્ક થાય અને તેઓ છોકરીને લેવા આવે તો લાગણીભર્યા દ્રશ્ય સર્જાય. કોઈ વાર છોકરીના કુટુંબનો સંપર્ક થાય તો તેઓ એવું કહે કે છોકરી ઉપવનમાં વધારે સારી રીતે રહેશે એટલે તેને ઘરે ન લઈ જાય.

શક્ય હોય ત્યાં સુધી તો છોકરીનો તેના કુટુંબ સાથે મેળાપ કરાવી આપવામાં આવે. કુટુંબીઓ તેને લઈ જવા તૈયાર ન થાય તો એમને સમજાવવામાં આવે. રસ્તા પરથી મળી આવેલી અનેક છોકરીઓ એમનાં કુટુંબ પાસે ગઈ.

૯

'રંજનબેન, હું પીઆઈ બોલું છું. ગયા મહિને રેલવે સ્ટેશનથી એક યુવતી મળી હતી. અમે તેને નારી સંરક્ષણ ગૃહમાં રાખી છે. તે ગર્ભવતી છે. સાતમો મહિનો લાગે છે. કોર્ટના હુકમથી તેની ડિલિવરી કરાવવાની છે. તમે એને ઉપવનમાં રાખો.'

'અમે આવું કામ કર્યું નથી એટલે ઘણું મુશ્કેલ લાગે છે પરંતુ તે દીકરીને સાચવી લેશું.'

તે યુવતી ઉપવનમાં આવી. તેને કશું જ સમજાતું નહોતું એટલે આવી સ્થિતિમાં તેની સંભાળ લેવાની તકલીફ પડતી હતી. સરિતા પોતે જ તેની સાથે રહેવા લાગી. ગામની જે સ્ત્રીઓ ઉપવનનો વિરોધ કરતી હતી તે જ મદદે આવી. યુવતીને ખૂબ સાચવી. શહેરમાં પ્રસુતિ કરી.

તે બાળકને ધવરાવતી નહોતી એટલે ગામની યુવાન માતાઓ મદદે આવી. બાળકને અનાથાશ્રમમાં મોકલવું હતું પણ માતાથી સહેજ દૂર કરે તો તે ચીસાચીસ કરવા લાગતી. તેને કશી ખબર તો પડતી નહીં પણ એનું કશું છે તે લઈ જાય છે એવું લાગે એટલે આવું વર્તન કરતી. ધીરે ધીરે તેને બાળકથી દૂર રાખીને થોડા મહિના પછી બાળકને અનાથાશ્રમમાં મોકલ્યું.

આવી રીતે દુષ્કર્મ નો ભોગ બનેલી કેટલીક યુવતીઓની દેખભાળ રાખીને તેમની પ્રસુતિ કરાવી.

*

એક માનસિક અસ્થિર ગર્ભવતી યુવતીને ઉપવનમાં લાવવામાં આવી. તેની ખૂબ સારી દેખભાળ રાખીને શહેરમાં પ્રસુતિ કરાવી. તેને દીકરો આવ્યો. પ્રેમ અને હૂંફ સાથે યોગ્ય સારવાર મળતાં તેની સ્થિતિમાં ઘણો સુધારો થયો. તેને યાદ આવ્યું કે તેના લગ્ન થયા હતા. તેના સાસરામાં ત્રાસ આપતા એમાં તેની માનસિક સ્થિતિ બગડી ગઈ અને તે ઘર છોડી ભાગી.

તેણે આપેલ માહિતી મુજબ તપાસ કરતાં તેના પતિ સાથે સંપર્ક થયો. તેને નોર્મલ દીકરો છે તે જાણી તે તરત લેવા આવ્યો. તે પતિ સાથે જવા તૈયાર થઈ. પરંતુ સરિતા ના પાડતી હતી. તેને ડર હતો કે તેને ફરી ત્રાસ આપશે તો?

રંજને સરિતાને સમજાવી કે કાયદેસર રીતે તેને રોકી શકાય નહીં. સરિતાએ તેના પતિને કડક થઈ સમજાવ્યો કે ફરી તેની સાથે આવું ન બનવું જોઈએ.

તેને તેના નસીબ પર છોડી જવા દીધી.

*

એક સામાજીક કાર્યકરે ઉપવનનો સંપર્ક કર્યો.

'અહીં એક ગામમાં એક યુવતીને તેના ઘરના ઓરડામાં પૂરી રાખે છે. ગામના લોકો તેને ડાકણ કહે છે. તેને સરખું ખાવાપીવા પણ નથી મળતું. પશુ કરતાં પણ ખરાબ જીવન છે એનું. તમે તેને છોડાવો.'

સરિતા ત્યાં ગઈ અને લોકોને સમજાવ્યા પણ લોકો માન્યા નહીં. તેને લઈ જવાની પણ ના પાડી. સરિતાએ પોલીસની મદદ લઈ તેને છોડાવી અને ઉપવનમાં લઈ આવી.

તે છોકરીને બીજી છોકરીઓથી અલગ રાખી. તેને નાની નાની અનેક બાબતો શીખવવી પડી. સ્વચ્છતા રાખવા શીખવ્યું. પિરિયડ વિષે ધ્યાન રાખવા સમજાવતાં ઘણું અઘરું પડયું. ઘણા સમય પછી બીજી છોકરીઓ સાથે રહેવા લાગી.

૧૦

સરિતા ડીસીપીના પત્ની સાથે એક મહિલા ક્લબમાં ગઈ અને ઉપવન વિષે માહિતી આપી. ક્લબના પ્રમુખ તેને એમના ઘરે લઈ ગયા. એક યુવાન છોકરો ચીસો પાડતો હતો. સરિતાએ તેની પાસે જઈ તેને શાંત કર્યો.

'આ મારો દીકરો છે. તે ડે કેરમાં જાય છે. મારી દીકરી પરદેશમાં છે. આને કોઈ સાચવી શકતું નથી એટલે હું મારી દીકરી પાસે જઈ શકતી નથી. જો તમે એને ઉપવનમાં સાચવો તો હું જઈ શકું.'

'પણ ઉપવનમાં તો માત્ર છોકરીઓને જ રાખીએ છીએ.'

'તમે છોકરાઓને રાખવાનું પણ શરૂ કરો. તેના માટે જે ફેરફાર કરવાના થાય તેનો ખર્ચો હું આપીશ.'

ઉપવનના ટ્રસ્ટીઓએ વિચાર વિમર્શ કરી જરૂરી ફેરફાર નક્કી કર્યા. છોકરા, છોકરી અલગ મકાનમાં રહે. નાસ્તા, જમવાના સમય પણ અલગ રાખવાના. માત્ર કોઈ કાર્યક્રમ હોય ત્યારે જ સૌ સાથે હોય.

મહિલા પ્રમુખ પરદેશ ગયાં ત્યારે એમનો દીકરો ઉપવનમાં રહેવા આવ્યો. તેની સાથે બે છોકરા આવ્યા.

*

એક દિવસ એક સામાજીક કાર્યકર નજીકના ગામના એક યુવાનને ઉપવનમાં રાખવા ભલામણ કરવા આવ્યા.

'આપણી નજીકના ગામના એક યુવાનને એના ઘરનાં સાંકળથી બાંધી રાખે છે. એને અહીં રહેવા દો.'

'ચોક્કસ. નજીકના ગામમાં છે છતાં તેના ઘરનાં અત્યાર સુધી કેમ નથી આવ્યા?'

'એ લોકો આવ્યા હતા પરંતુ તમે ના પાડી હતી.'

સરિતાને યાદ આવ્યું.

'યાદ આવ્યું. તે છોકરાને ગામના લોકોએ બહુ માર્યો હતો. એક દિવસ તે ઘરથી દૂર નીકળી ગયો હતો. તે એક જગ્યાએ બાથરૂમ કરવા ઊભો. તેને પેન્ટની ચેઈન બંધ કરતાં તો આવડતું હતું પણ તે જ વખતે ગામની છોકરીઓ નીકળી અને તેને આવી રીતે જોઈ ચીસો પાડવા લાગી એટલે તે ગભરાઈ ગયો અને ચેઈન બંધ કર્યા વિના દોડયો. આથી લોકો ઉશ્કેરાયા અને તેને બહુ માર્યો. તેને પેશાબ કરવાની પણ તકલીફ થઈ ગઈ એવો માર્યો.

તેના ઘરનાં અહીં આવ્યા હતા પણ ત્યારે આપણે છોકરાઓને નહોતા રાખતા એટલે ના પાડી હતી. પરંતુ તેને સાંકળથી બાંધી રાખે છે તે તો બહુ ખોટું કહેવાય.'

'તેના ઘરનાં કહે છે કે ગામના લોકો તેને જોઈને ઉશ્કેરાઈ જાય છે. તે ઘરમાંથી બહાર નીકળી જાય તો ફરી મારે એટલે તેને બાંધી રાખે છે.'

સરિતા તે છોકરાને ઉપવનમાં લઈ આવી. એક દિવસ તે ફૂટબોલ રમતો હતો તે જોઈ સરિતા ખુશ થઈ ગઈ.

'રંજનબેન, જુઓ આ છોકરો કેવું રમે છે? આને પધ્ધતિસર તાલીમ મળે તો સારો ખેલાડી બને.'

તે છોકરાને શહેરમાં ફૂટબોલની તાલીમ મળે એવી વ્યવસ્થા કરી. સાંકળથી બંધાઈ રહેતો છોકરો સારું ફૂટબોલ રમતો થઈ ગયો.

૧૧

એક યુવાન છોકરો તેની માતાના અવસાન બાદ તેના પિતા સાથે રહેતો હતો. તેના પિતાને લોકો સમજાવતા કે એમની હયાતીમાં જ આવી માનસિક સ્થિતિ ધરાવતા લોકોને સાચવતી સંસ્થામાં મૂકી આવે. પિતા તૈયાર નહોતા થતા. અચાનક પિતાનું અવસાન થયું. કુટુંબીઓએ એકાદ બે દિવસ તેને સાચવ્યો પણ તે મુશ્કેલ લાગતાં ઉપવનનો સંપર્ક કર્યો.

તે યુવાન રડયા કરતો અને ખાવાપીવાની ના પાડતો. રંજન અને સરિતાએ ખૂબ સમજાવ્યો પણ તે પપ્પા પાસે જવું છે કહી રડયા કરતો. ડોક્ટરના કહેવાથી ગ્લુકોઝ આપવું પડે એવી પરિસ્થિતિ થઈ.

સરિતાએ મંદિરમાં તેના પિતાનો ફોટો મૂકી તેને સમજાવ્યો કે પપ્પા બહુ દૂર ભગવાન પાસે ગયા છે. એમની પાસે એટલે દૂર જવું હોય તો તાકાત જોઈએ અને એના માટે ખાવું પડે. તે માંડ ખાતો થયો. ધીરે ધીરે બધા સાથે ભળતો થયો.

*

એક સામાજીક સંસ્થા વાળા એક યુવાનને લઈ આવ્યા. તે રસ્તા પર ભટકતો રહેતો. કેટલાક તોફાની બાળકો તેને પથરા મારતા. ક્યારેક કોઈ ગલ્લા વાળા ખાવા આપે તો ખાય નહીંતર ભૂખ્યો તરસ્યો ભટકતો રહે.

ઉપવનમાં તેને પ્રેમથી રાખ્યો. આવા માનસિક અસ્થિર લોકો રસ્તા પર ભટકતા હોય એમને ઉપવનમાં લઈ આવી, બરાબર સ્નાન કરાવી, વધી ગયેલા વાળ દાઢી કાપી સારા કપડાં પહેરાવી પ્રેમથી રાખતા. એમના કુટુંબની ભાળ મળે તો મેળાપ કરાવી આપતા નહીંતર તેઓ ઉપવનમાં જ સચવાઈ જતા.

*

ઉપવનમાં સંખ્યા વધતાં ખર્ચો પણ વધવા લાગ્યો. તેની સામે ડોનેશનથી થતી આવક વધતી નહોતી. ઉપવન આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયું. ઈશ્વર કૃપા થાય અને સારું ડોનેશન મળે તો જ પરિસ્થિતિ સુધરે.

મુંબઈ રહેતા એક યુવાને સંપર્ક કર્યો.

'રંજનબેન, હું મુંબઈમાં મારી માતા અને ભાઈ સાથે રહું છું. મારો ભાઈ માનસિક દિવ્યાંગ છે. મારી ઉંમર વધતી જાય છે. મારી આ સ્થિતિ હોવાથી કોઈ છોકરી લગ્ન માટે હા નથી કહેતી. મારા ભાઈને ઉપવનમાં રાખવો છે. હું મારા ભાઈનો ખર્ચ આપવા ઉપરાંત વધારે રકમ આપીશ.'

તે યુવાને સોશિઅલ મીડિયામાં ઉપવન વિષે લખ્યું. કેટલાક લોકોએ ડોનેશન આપ્યું. એક કંપનીએ સીએસઆર ફંડ આપવાનું શરૂ કર્યું.

*

પરદેશ રહેતા ભાઈએ માતાપિતાના અવસાન બાદ બહેનને રાખવા કહ્યું. તેની પોતાની આઈટી કંપની હતી.

તેની બહેન ઉપવનમાં સારી રીતે સચવાઈ ગઈ. તેણે મુંબઈનું મકાન વેંચી આવેલી રકમ ઉપવનના કોર્પ્સ ફંડમાં આપી.

૧૨

85 વર્ષના ધનાઢ્ય વિધુર પિતાએ 55 વર્ષની દીકરીને રાખવા કહ્યું. તેને વૃદ્ધાશ્રમમાં રાખતા નહોતા.

ઉપવનના ટ્રસ્ટીઓએ મોટી વયની સ્ત્રીઓને રાખવા બાબત ચર્ચા કરી. એમની ખાસ જરૂરિયાત જોતાં વૃદ્ધાશ્રમમાં કોઈ રાખે નહીં એટલે આવી સ્ત્રીઓને ઉપવનમાં રાખવા નક્કી કર્યું.

એક વૃદ્ધ માતા એની 50 વર્ષની દીકરીને મૂકી ગયાં.

આ લોકોએ માતબર રકમ આપી એટલે ટેકો મળી ગયો.

'જોયું, ઈશ્વરને આપણું કાર્ય મંજુર છે અને આપણને નિમિત્ત બનાવવા માંગે છે એટલે આવી અણધારી મદદ મળી ગઈ.'

*

ઉપવનમાં સંખ્યા વધી એટલે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરાવવા લાગ્યા. સૌ ભાગ લે માટે સૌને તાલીમ આપવામાં આવતી. નામાંકિત વ્યક્તિઓને અતિથી તરીકે બોલાવતા.

ચિત્રકામમાં ઘણાને રસ પડ્યો. ગરબા અને ડાન્સમાં પણ બધા ભાગ લેવા લાગ્યા. કેટલાકને ગાવાની તાલીમ પણ આપી.

આ બાળકોમાં ટેલેન્ટ તો હોય છે જ. સારી ટ્રેનિંગ મળે તો કંઈક વિશેષ હાંસલ કરી શકે.

કેટલાક લોકો એમનાં જન્મ દિવસની ઉપવનમાં કરવા આવતા. શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપવનમાં આવી રમતા અને કાર્યક્રમ આપતા.

અમુક કિસ્સાઓમાં રંજન અને સરિતાને લાગ્યું કે કેટલાક લોકોને દેખાડો કરવામાં વધારે રસ હતો. ઉપવનના છોકરા છોકરી જોકર હોય એવું વર્તન કરતા. આવા લોકોને કાર્યક્રમ આપવાની મનાઈ ફરમાવી.

*

સરિતા યુવાનોને જાગ્રત કરવા પ્રવચન આપવા જતી. તે યુવાનોને સમજાવતી કે દંપતીએ બાળકના જન્મ પહેલાં પરિક્ષણ કરાવવું જોઈએ. માનસિક ક્ષતિ વાળું બાળક હોય તો જન્મ ન આપવો જોઈએ જેથી તે જીવનભર દુઃખી ન થાય. ભણેલા લોકો આવું ધ્યાન રાખી શકે પરંતુ ઓછું ભણેલા લોકો આવી બાબતમાં જાગ્રત ન હોવાથી માનસિક દિવ્યાંગ બાળકો તો આવતા રહે અને એમનાં માટે ઉપવનની જરૂર રહેવાની.

એક યુવાન માતાએ એનું દર્દ કહ્યું,

'હું નિયમિત ચેકઅપ કરાવતી હતી. ડોક્ટર કહેતા કે બધું બરાબર છે પરંતુ માનસિક ક્ષતિ વાળો દીકરો આવ્યો. હવે આખી જીંદગી તે હેરાન થશે અને અમે માતા પિતા દુઃખી થશું.'

'આવું ક્યારેક બનતું હશે. હવે દીકરાને ઈશ્વરની પ્રસાદી માની જતનથી સાચવો. તેને કોઈ સારા ડે કેરમાં મોકલજો. તેને સારી ટ્રેનિંગ મળશે તો પગભર થશે. ભવિષ્યમાં જરૂર પડે તો ઉપવનમાં રાખજો.'

એક માતાએ કહ્યું,

'મારે નોર્મલ દીકરો હતો. ત્રણ મહિનાનો થયો ત્યારે ગંભીર બિમાર થયો. બિમારી અને દવાની તેના માનસિક વિકાસ પર અસર થઈ. હવે અમે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં છીએ.'

'તમારો કિસ્સો ખરેખર કમનસીબ કહેવાય. પરંતુ હવે રડયા કરવાથી કશું ન થાય. તેને સારી ટ્રેનિંગ મળે તેવું કરજો. ભવિષ્યમાં જરૂર પડે તો ઉપવન તો છે જ.'

૧૩

એક દિવસ સરપંચ અને ગામના આગેવાનો ઉપવન આવ્યા.

'આવો આવો સરપંચ સાહેબ.'

'ઉપવનમાં બધું બરાબર?'

'હા. ઈશ્વર કૃપાથી અને આપ સૌના સહકારથી બધું વ્યવસ્થિત છે. પણ તમે કેમ ચિંતામાં લાગો છો?'

'વાત જ એવી છે. આસપાસના ખેતરો વેંચવા લાગ્યા છે.'

'કોણ ખરીદી રહ્યું છે?'

'બહુ મોટા બિલ્ડર છે. શેઠ સાહેબ. નવી પેઢીના યુવાન છે. આપણી આસપાસના ખેતરો વેંચાઈ રહ્યા છે.'

'એનાથી આપણને શું ફરક પડે?'

'તેઓ ઉપવન અહીંથી હટાવી દૂર લઈ જવા દબાણ કરશે.'

'પણ આપણે ઉપવન વેંચીએ તો ને?'

'શેઠ સાહેબ માટે એવું કહેવાય છે કે તેઓ સામ, દામ, દંડ, ભેદથી કામ કરે છે. તેઓ જે નક્કી કરે તે થાય જ.'

'એને જે કરવું હોય તે કરે. આપણે અહીંથી જવાના નથી.' સરિતા ઉશ્કેરાઈને બોલી. પરંતુ રંજન એકદમ ગંભીર થઈ ગઈ.

આસપાસના લગભગ બધા જ ખેતરો વેચાઈ ગયા. શેઠ સાહેબના માણસો જાત જાતની ઑફર લઈ મળવા આવવા લાગ્યા. રંજન અને સરિતા મક્કમતાથી ના પાડી દેતા. સોશ્યલ મિડીયામાં આની ચર્ચા થવા લાગી. હિતેચ્છુઓ ઉપવનની ચિંતા કરવા લાગ્યા.

એક દિવસ શેઠ સાહેબના માણસોએ આવીને કહ્યું કે શેઠ સાહેબ મળવા માંગે છે. રંજને હા પાડી.

લોકોમાં ચર્ચા થવા લાગી કે શેઠ સાહેબ યેનકેન પ્રકારે ઉપવનનો સોદો કરીને જ રહેશે.

નિયત દિવસે ઉપવનમાં એક લક્ઝરી કાર આવી. એમાંથી એક યુવાન ઉતર્યો. રંજન અને સરિતા તેના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગયાં.

'આવો આવો. નાની વયે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર યુવાન બિઝનેસમેનનું ઉપવનમાં સ્વાગત છે.'

'ઉપવન અને આપના વિષે મેં ઘણું સાંભળ્યું છે. આજે રૂબરૂ આવવાનો આનંદ છે.'

'અમને પણ આનંદ થયો.'

'મારે ઉપવન જોવું છે. પહેલાં મને બધું બતાવો.'

રંજન અને સરિતાએ ઉપવનની શરૂઆતથી લઈ અત્યાર સુધીની સફર ટૂંકમાં કહી વિવિધ પ્રવૃત્તિઓ વિષે જણાવ્યું.'

'તમે બે સ્ત્રીઓ અનેક પડકારો ઝીલી આટલું ઉમદા કાર્ય કરી રહ્યા છો તે મારી બિઝનેસની સફળતાથી જરાય કમ નથી.'

'હા પણ મોટો પડકાર તો હવે આવ્યો છે.'

'હંઅઅ... આપણે વાતચીતથી કોઈ રસ્તો કાઢીએ.'

'જુઓ ભાઈ, આ સ્થળ અમારા માટે માત્ર એક જગ્યા નથી. આ ગામ, આ વિસ્તાર અનેક રીતે અમને અનુકૂળ છે એટલે આ જગ્યા છોડી અમને બીજે જવું નહીં ફાવે.'

'પણ હું તમને બહુ ફાયદો થાય એવી કિંમત આપું. મારે અહીં લક્ઝૂરીયસ ટાઉનશીપ બનાવવી છે. મારા માટે આ જ જગ્યા અગત્યની છે. આજુબાજુની બધી જગ્યા હવે મારી છે. તમે વિચારો. મારી ટાઉનશીપમાં આ જગ્યાએ ઉપવન કેવી રીતે હોઈ શકે? હું તમને અન્ય સ્થળે ઉપવન બનાવી આપું.'

૧૪

'અમે આ ગામ અને આ વિસ્તારમાં બરાબર ગોઠવાઈ ગયા છીએ. ગામ લોકો પણ અમને બહુ મદદરૂપ થાય છે. અમારા માટે બીજી જગ્યાએ નવેસરથી શરૂઆત કરવાનું મુશ્કેલ થશે.'

યુવાન બહાર જઈ દૂર સુધી જોઈ રહ્યો પછી અંદર આવી બેઠો.

'હું અહીં ટાઉનશીપ કરીશ. હું તમને સામેના છેડે ઉપવન બનાવી આપું. એકદમ આધુનિક સગવડ વાળું બનાવી આપીશ. તમે આ ગામ અને આ વિસ્તારમાં જ રહી શકશો. બધું તૈયાર થઈ જાય પછી જ અહીંથી ત્યાં જશું.'

'પણ આ બધાની કિંમત કેવી રીતે નક્કી કરશું?'

'તમારે કંઈ જ આપવાનું નથી. હું આ જમીન તમારી પાસેથી ખરીદી લઈશ અને એની કિંમત આપીશ. નવી જગ્યા તો હું જ સામેના છેડે આપું છું. મારે એના પૈસા નથી લેવા.'

રંજન અને સરિતા થોડી ચર્ચા કરી પછી સંમત થયા.

'અમને આ પ્રસ્તાવ મંજુર છે. પણ એક વાતનું આશ્ચર્ય થાય છે. અમને તો એવી વાત મળી હતી કે તમે તો સામ, દામ, દંડ, ભેદથી કામ કરો છો. તો અચાનક આવો પ્રસ્તાવ કેમ?'

'હું ખાસ દેરાસર જતો નથી પણ હમણાંથી મારી ઉપવન સાથેની વાતો બહુ ચર્ચામાં છે એટલે ગઈ કાલે મહાસતિજીએ મને બોલાવ્યો. તેઓ એટલું જ બોલ્યાં કે ઉપવનને સાચવી લેજો. એટલે મેં અહીં આવતાં પહેલાં આ પ્રસ્તાવ વિચાર્યો.'

'અમે મક્કમ તો હતાં પણ નર્વસ પણ હતાં. તમે સરસ રસ્તો કાઢયો.'

'મારી વાઈફને આવી પ્રવૃત્તિઓમાં રસ છે. તમને વાંધો ન હોય તો તે તમારી સાથે જોડાય.'

'એ તો બહુ જ સરસ. અમારી પણ ઈચ્છા છે કે કોઈ યુવાન અમારી સાથે જોડાય.'

થોડા મહિનામાં તમામ આધુનિક સગવડ સાથે ઉપવન તૈયાર થઈ ગયું. યુવાન શેઠ દંપતીના હસ્તે નવા સંકુલનું ઉદ્ઘાટન કર્યું. થોડા દિવસ પછી મહાસતિજીના પાવન પગલાંથી ઉપવન પવિત્ર થયું.

મહાસતિજીએ આશીર્વાદ આપતાં કહ્યું,

'આપણે એવી જ પ્રાર્થના કરીએ કે તંદુરસ્ત બાળકો જન્મ લે. પરંતુ દુઃખ દર્દ તો જીવનનો હિસ્સો છે. માનસિક ક્ષતિ ધરાવતા બાળકો જન્મ લે તો એમને સ્વાભિમાનથી જીવવા મળવું જોઈએ. એટલે આવા ઉપવન તો જોઈએ જ.'

Comments

Popular posts from this blog